શીતળા સાતમ 2022 | શીતળા માં ની વાર્તા | શીતળા સાતમની વાર્તા Pdf

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. એ દિવસે ચૂલો સળગાવવો નહી. ઘીનો દીવો કરી શીતળા માં ની વાર્તા સાંભળવી અથવા કહેવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શીતળા માં ની વાર્તા

રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી, જેઠાણી રહેતા હતા. બંને વહુઓને દેવના દીધેલાં એક એક દીકરા હતા. મોટી વહુ ઇર્ષાખોર હતી. જયારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી.

એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી. એટલામાં ઘોડિયામાં સુતેલો છોકરો રડવા માંડયો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઉંઘી ગઈ. ચૂલો સળગતો હતો.

મધરાત પછી શીતળામા ફરવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું ? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા, આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શાપ આપ્યો : ‘જેવું મારું શરીર બળ્યું એવું તમારું પેટ બળજો !’

સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો, પડખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો, તેનું આખું શરીર દાઝી ગયું હતું.

નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માં એ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી. સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું, ‘તું શાંત થઈ જા. અને શીતળામા પાસે જઈ કરગરજે. મા સૌ સારા વાના કરશે.’ સાસુમાના આશીર્વાદ લઈ, છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી. રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી. બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા. તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જન, જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું.જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, ‘બહેન ! તું ક્યાં જાય છે?’

નાની વહુએ કહ્યું : ‘હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉ છું. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા.’

તલાવડીએ કહ્યું : ‘બહેન ! અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારૂં પાણી જ પીતું નથી  અને જો ભુલેચુકે કોઈ પીએ તો મૃત્યુ પામે છે. માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે.' નાની વહુ ડોકું હલાવી આગળ વધી. આગળ જતાં રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા ! નાની વહુને જોઈ

આખલાઓ બોલ્યા : બહેન ! તું ક્યાં જાય છે ?’ મારા શાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉ છું.’ વહુએ કહ્યું.

આખલાએ કહ્યું : અમે એવાં તે શા પાપ કર્યા હશે, કે અમે સદાય લડયા જ કરીએ છીએ ? મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે.’

નાની વહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી. થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના જીંથરા જેવા વાળને ખંજવાળતાં બેઠા હતા. ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી, ‘બહેન! આમ હાંફળી હાંફળી થતી કયાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે ?’

નાની વહુ તેમની પાસે આવી અને તેમને સઘળી વાત જણાવી. ડોશીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કહેવા લાગ્યા, ‘અલી ! જરા મારું માથું જોઈ આપને. કયારની જુઓ વિતાડયા કરે છે.’

વહુ દયાળુ હતી. તેને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી.છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જૂઓ વીણવા બેઠી ! થોડીવારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે નાની વહુને આશીર્વાદ આપતાં કહ્યું, ‘જેવું મારું માથું ઠર્યું, એવું તારું પેટ હરજો !'

આટલું બોલતામાં તો ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠયો. વહુ આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહી, પણ શીતળા માતા છે. આથી તેમના ગે પડી.

ત્યારબાદ વહુએ તલાવડીઓ નાશાપનું નિવારણ પૂછતા શીતળા માં બોલ્યા, ’બેટી ! પૂર્વ જન્મમાં તેઓ બંને શોકયો હતી. આથી તેઓ રોજ ઝગડયા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહી, અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થાશે.' એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછયું, તેનાજવાબમાં શીતળામાં બોલી ઉઠયા. બેટી ! ગયા ભવમાં એ બંને દેરાણી-જેઠાણી હતા. તેઓ એટલા બધા ઇર્ષાળુ હતા, કે કોઈને દળવા-ખાંડવા દેતા ન હતા.આથી આ ભવે તેઓ આખલા બનીને, એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડયા રે છે તું મે ની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે. આથી એમનું પાપ દૂર થશે ’

નાની વહુ ખૂશ થતી, શીતળા માતા ના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કહી સંભળાવી અને એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયાં. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહું આવી પહોંચી. તેમને પણ વહુએ શીતળામાની વાત કહી સંભળાવી. અને એમના શાપના નિવારણ રૂપ તેમાંથી ખોબો ભરીને પાણી પીધું, ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી. સાસુમા છોકરાને જીવતો જોઈ ખૂબ ખુશ થયા,પણ જેઠાણી ઇર્ષાથી બળીને રાખ થઈ ગઈ.

બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામા ફરતાં ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો, “જેવું મારૂં શરીર બળ્યું એવું એનું પેટ બળજો !'

બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘેડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો.આ બનાવથી દુ:ખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીના પેઠે છોકરાને લઈ ચાલી નીકળી. રસ્તે ચાલતા બે તલવાડીઓએ પૂછયું, ‘બહેન ! કયાં જાય છે ? જેઠાણીએ મ્હોં મચકોડતા કહ્યું, ‘તમારે શી પંચાત ? જોતાં નથી મારો છોકરો મરી ગયો છે ને હું શીતળામા પાસે જાઉ છું તે.’ તલવાડીઓએ કહ્યું, ‘બહેન, અમારું પણ કામ કરતી આવજે ને !”

જેઠાણીએ ધડ લઈને ‘ના’ કહી ત્યાંથી આગળ વધી. આગળ જતાં રસ્તામાં બે આખલા મળ્યા. તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું. પરંતુ જેઠાણીએ તેમને પણ નન્નો સંભળાવી દીધો.

આગળ જતાં બોરડીના ઝાડ નીચે ડોશીના સ્વરૂપેશીતળામા માથું ખંજવાળતા બેઠાં હતા. તેમણે મોટી વહુને પોતાનું માથુ જોઈ આપવાનું કહ્યું, આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું : હું કાંઈ તારા જેવી નવરી છું, તે તારૂં માથું ખંજવાળ્યા કરૂં ? જોતી નથી, મારો છોકરો મરી ગયો છે તે ?

આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ, ક્યાંય શીતળામાનો ભેટો ન થયો ! જંગલના ઝાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને કયાંય શીતળામાં જોવા ન મળ્યો. આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈને ઘેર પાછી ફરી.

હે શીતળામા જેવા દેરાણીને ફળ્યાં એવાં સૌને ફળજો ! ‘જય શીતળામા !’ 

Post a Comment

1 Comments